Wednesday, August 22, 2012

મફતમાં નંબર ચેક કરીને મફતના ભાવમાં ચશ્માં આપનાર ગૌતમભાઈ ઉપાધ્યાય

આંખેથી જોવાની દ્રષ્ટી અને સમજવાની શક્તિ આ બંને વસ્તુ એ માણસના જીવનમાં ખુબ જ ઉપયોગી બનીને રહે છે. આપણા શરીરની પાંચેય ઇન્દ્રિયોમાં આંખ એ મહત્વનું અંગ છે અને તે માટે જ આંખોનું જતન કરવું એ આપણી જ ફરજ બને છે. ફિલોસોફીની વાત પછી હવે કરીએ ચશ્માની વાત અને તે એટલા માટે કે આંખ અને ચશ્માની દાંડી એ બંને વચ્ચેનો સંબધ એ ગાંધીજી અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવો છે. આજે કેટલી બધી બ્રાંડ ચશ્માની બજારમાં આવી ગયી છે. જ્યાં જુઓ ત્યાં ચશ્માં જ ચશ્માં. ફેસબુકમાં ચશ્માં, ઘરે ચશ્માં, દુકાને ચશ્માં અને કાકાના ખીસામાં પણ ચશ્માં. 

ચશ્માની કિંમત કેટલી માત્ર ૨૦૦-૨૫૦ રૂપિયા જેટલી ? 

કદાચ હોઈ પણ શકે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માત્ર ૧૦ રૂપિયામાં પણ જરૂરિયાતવાળા લોકોને ચશ્માં આપનાર લોકો આજે છે અને તે પણ પોતાની ચશ્માંની દુકાન હોવા છતાં તેઓ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે.  તમને કદાચ આ વસ્તુ મજાક લગતી હશે કે શું વાત કરો છો માત્ર ૧૦ રૂપિયામાં ચશ્માં ?  કઈ જગ્યાએ ? મને ખબર હતી કે એ પ્રશ્ન તમારો તરત જ આવશે કેમ કે તમે એ પ્રશ્ન પૂછવા માટે વર્ષોથી બંધાયેલા છો. 

તો સાંભળો. અમદાવાદમાં ગાંધી રોડ ઉપર ધીક્વાચોકીનો ઢાળ આવે છે અને ત્યાં સરૈયા નામની પોળમાં ગૌતમ ચશ્માં ઘર છે. તેમના માલિક છે ગૌતમભાઈ ઉપાધ્યાય એક બ્રાહમણ તરીકે માંગવા કરતા ૧૦ રૂપિયામાં ચશ્માં આપવાની વૃતિ ધરાવે છે અને તે પણ નિસ્વાર્થભાવે. આખા ગુજરાતની મોટા ભાગની સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા ગૌતમભાઈ વ્યવસાયે એક ચશ્માની દુકાન ધરાવે છે પરંતુ એમનામાં રહેલા સેવાકીય ગુણના હિસાબે આજે તેઓ આખા રાજ્યના ધાર્મિક સંગઠનો, ધર્માદા સંસ્થાઓ, ચેરીટેબલ હોસ્પિટલો અને નાના નાના ગામડામાં જઈને ટેબલ - ખુરશી ઉપર બેસીને હાથે ચશ્માના નંબર ચેક કરીને કોઈ પણ જાતની ભૂલ વગર જરૂરિયાત વાળા લોકોને માત્ર ૧૦ રૂપિયામાં ચશ્માં આપે છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરત, બરોડા અને ક્યાંય ને ક્યાંય એમને રાહતદરે કેમ્પ કરેલા છે. એમની સાથે થયેલી મુલાકાતમાં વધુ જણાવ્યું કે મારે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, રેડક્રોસ અને બીજી બધી સંસ્થાઓ સાથે જોડાણ છે અને જો તે લોકો આ સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો હું ત્યાં વિના સંકોચે પહોચી જાઉં છે એક પણ જાતનો પૈસો લીધા વગર. ચશ્માં મારા, મારે પોતાને જ જોવાનું અને એ પણ કોઈ જાતના બીલ વગર. મને એક ચશ્માની કિંમત અંદાજીત ૧૮૦ કે ૨૦૦ રૂપિયામાં પડે છે અને તે જ ચશ્માં હું આ બધી સેવાકીય સંસ્થાઓ સાથે જોડીને માત્ર ૧૦ રૂપિયામાં ગરીબ અને જરૂરિયાત વાળા લોકોને આપું છું જોકે મેં ક્યારેય મારી આખી જીંદગીમાં આ લોકોને મારી દુકાનનું સરનામું આપ્યું નથી. એમને માત્ર એમ જ કહું છું કે "તમારે જયારે કોઈ પણ તકલીફ પડે તો મને આ નંબર ઉપર ફોન કરી દેવાનો" કોઈ પણ ગામડામાં કે શહેરમાં હોય હું આવી જઈશ. આ જાતની સેવા માત્ર અમુક લોકો જ કરે છે.

મેં એમને કહ્યું કે ગૌતમભાઈ મને ઘણા બધા પત્રકારો ઓળખે છે તો તમારી સ્ટોરી હું છાપામાં છપાવી આપું તો એમણે મને સ્પષ્ટપણે ના પાડી દીધી કે દિપકભાઈ, હું આ ચશ્માં સેવાકીય પ્રવૃત્તિથી કરું છું અને જો હું આને વ્યવસાય બનાવી દઈશ તો બ્રાહ્મણ તરીકેનો મારો જન્મ હું આવતા જન્મે હું નહિ પામું.

તમે જો કોઈ ધર્મનું કાર્ય કરવા માંગતા હોય તો એક કામ કરજો તમારી સગવડ મુજબ એક કેમ્પ કરી આપો અને હું ત્યાં કહેશો ત્યારે પહોચી જઈશ મારી સાધન સામગ્રી લઈને બસ એક જ અપેક્ષા છે કે માનવધર્મ એ જ સાચો ધર્મ. આજે આ જ વસ્તુ અમદાવાદ કે બીજા કોઈ શહેરમાં ૭૦૦-૮૦૦ રૂપિયામાં કરી આપે છે. હું એમ નથી કહેતો કે એ લોકો માનવધર્મ ગુમાવ્યો છે પરંતુ સસ્તા મળતા ચશ્માં જો મોંધા ભાવે આપણે વહેચીયે તો એ ખોટી વસ્તુ છે.

તમે કોઈને પણ મારો સંપર્ક આપી શકો છો. મારો નંબર છે: ગૌતમભાઈ ઉપાધ્યાય - ૯૦૯૯૮૪૪૪૧૨. ૦૭૯- ૨૨૧૩૯૦૬૫.

No comments:

Post a Comment